આત્મહત્યા : કામરેજના પૂલ પરથી તાપી નદીમાં આર્થિક સંકડામણથી ઝંપલાવી રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ આત્મહત્યા કરી.
રત્નકલાકારો માટે કામ કરતાં વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાના આપઘાતથી રત્નકલાકારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. |
રત્નકલાકારોના પ્રશ્નોને વાચા આપનાર જયસુખભાઈના મોતથી શોક :-
કામરેજ તાપી નદીના પૂલ પરથી તાપી નદીમાં રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ મોતની છલાંગ લગાવી દીધી છે. તાપીમાં જયસુખ ગજેરાએ ભૂસકો લગાવ્યાની જાણ થતાં કામરેજ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિકો સહિત તંત્રએ તપાસ હાથ ધરતાં તાપી નદીમાંથી જયસુખ ગજેરાનો મૃતદેહ મળી આવ્યો હતો. જયસુખ ગજેરાએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કરી લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જો કે, હજુ આત્મહત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
તાપી નદીના પૂલ પર બાઈક ચપ્પલ મુકીને જયસુખભાઈએ આપઘાત કર્યો હતો. |
ફોન બંધ આવતા પરિવારે શોધખોળ કરી :-
મળતી માહિતી પ્રમાણે જયસુખભાઈએ રાત્રે ચેમ્બર્સ ઑફ કોમર્સના પ્રમુખ સાથે વાતચીત કરીને પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેવાની વાત કરી હતી. તેઓએ કામરેજની તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. રાત્રે તેઓનો ફોન પર સંપર્ક ન થઈ શકતા પરિવારના લોકોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તેમનું બાઈક અને ચપ્પલ કામરેજના કઠોર બ્રિજ પાસેથી મળી આવ્યા હતાં. જે બાદમાં નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
રત્નકલાકારોમાં શોક :-
રત્નકલાકાર વિકાસ સંઘના નેજા હેઠળ વર્ષોથી જયસુખ ગજેરા રત્નકલાકારોના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે મથતાં હતાં. રત્નકલાકારોને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે ત્યારથી લઈને ફરીથી તેમને નોકરી પર રાખવા સહિતના મુદ્દે તેઓ પ્રયાસ કરતાં હતાં. રત્નકલાકારોને વતન જવા માટે ટ્રેન, રહેવા મકાન, આરોગ્યની સુવિધાઓ જેવી પાયાની સુવિધાઓ માટે પણ તેઓ પ્રયાસ કરતાં હતાં.સરકારે હાઈકોર્ટમાં કોરોનાના ફેલાવા માટે રત્નકલાકારોને જવાબદાર ઠેરવ્યા ત્યારે સરકાર વિરૂધ્ધ તેઓ હાઈકોર્ટમાં કેસ કરવાની તૈયારી કરી રહ્યા હતાં.
આર્થિક સંકડામણમાં આપઘાત કર્યાની ચર્ચા :-
જયસુખ ગજેરા છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હોવાનું તેમના નજીકના લોકો કહી રહ્યાં છે. રત્નકલાકાર વિકાસ સંઘની ઓફિસનું ભાડુ પણ ઘણા સમયથી તેઓ ભરી શક્યા નહોતા. લોકડાઉનના કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ નબળી પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો