સરકાર પર દબાણ:ગુજરાતમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસનો નિર્દેશ, સાંજ સુધીમાં નિર્ણય લેવાઈ શકે


સરકાર પર દબાણ:ગુજરાતમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસનો નિર્દેશ, સાંજ સુધીમાં નિર્ણય લેવાઈ શકે

 રાજ્યમાં સતત વધી રહેલી કોરોના મહામારીને પગલે હવે ફરી એકવાર લોકડાઉન થાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે હવે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કર્યો છે. જસ્ટિસે કહ્યું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે.

સરકારની વીકએન્ડ લોકડાઉન અંગેની વિચારણા
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ ઘટીને 93.81 ટકાએ પહોંચ્યો છે. વધતા સંક્રમણથી અલર્ટ થયેલાં તાપી, વલસાડ, કડી, જામનગર, આણંદ-ખેડા, મોરબી, દાહોદનાં વિવિધ બજારો ધરાવતાં નગરો અને ગામડાંએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. તો બીજી બાજુ, શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂને કારણે વેપાર-ધંધા પર અસર પડતી હોવાથી વેપારી એસોસિયેશન માને છે કે કોરોના કાબૂમાં લેવા હવે સરકારે વીકેન્ડ લોકડાઉન લાદવું જોઈએ, જેથી ઝડપથી કાબૂ આવી શકે, સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી લોકલ સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન કરવામાં આવે એવી અપીલ કરી છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા શરૂ કરી દીધી છે અને આગામી બે દિવસમાં ગુજરાતમાં વીકએન્ડ લોકડાઉન લાદવામાં આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે.

લૉકડાઉન અંગે IMAનો વડાપ્રધાનને પત્ર
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે હાલમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે વેક્સિન જ એકમાત્ર ઉપાય છે. પત્રમાં એસોસિયેશને પત્ર દ્વારા સરકારને જણાવ્યું છે કે રાજ્યમાં દરેક જગ્યાએ વેક્સિન સેન્ટર ઊભાં કરીને વોક ઈન વેક્સિનની વ્યવસ્થા કરવામાં આવે. પ્રાઈવેટ હોસ્પિટલ, ક્લિનિક, મોટી હોસ્પિટલ અને તમામ ડૉક્ટર્સને વેક્સિન આપવાની મંજરી આપવામાં આવે. રાજ્યમાં વેક્સિનેશનને યોગ્ય બનાવવા માટે દરેક જિલ્લામાં કોવિડ ટાસ્કફોર્સની રચના કરવામાં આવે, જેથી વેક્સિન યોગ્ય રીતે થઈ શકે.

PMની પણ મિની લોકડાઉન અંગેની વિચારણા
ગુજરાતમાં કોરોનાકાળમાં એક તરફ નાઈટ કર્ફયૂ સહિતની સ્થિતિ સામે વેપારી વર્ગ અકળાઈ રહ્યો છે. એ સમયે અનેક શહેરોમાં સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ બનવા લાગી છે. વાસ્તવમાં નાઈટ કર્ફયૂને કારણે રાજ્યમાં વ્યાપાર-ઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે, પરંતુ અનેક મેડિકલ સહિત એસો.જે રીતે સ્વયંભૂ લોકડાઉનની વાતો કરી રહ્યા છે, એમાં સરકારનું આડકતરું દબાણ પણ હોવાનું માનવામાં આવે છે. અગાઉ જ ગુજરાત સરકારે લોકડાઉન નહીં આવે એવી જાહેરાત કરી છે અને એમાં પીછેહઠ કરી શકાતી નથી, પરંતુ આ રીતે લોકડાઉન જેવી સ્થિતિ બની શકે છે. ખુદ વડાપ્રધાને પણ મિની લોકડાઉન અંગે વિચારણા કરવા અધિકારીઓને જણાવ્યું છે; ત્યારે ગુજરાતમાં ધીમે ધીમે એવી સ્થિતિ બની શકે છે.

શહેરમાં શનિવાર-રવિવાર કર્ફયૂ રાખવો જોઈએ
ગુજરાતમાં મોટા ભાગનાં એસોસિયેશનો માની રહ્યાં છે કે અગાઉ લોકડાઉનને કારણે વેપાર-ધંધા આર્થિક અને માનસિક રીતે પડી ભાંગ્યા હતા. હાલ કોરોનાની બીજી લહેરમાં સરકારે રાત્રિ કર્ફયૂના સમયમાં ફેરફાર કરેલો છે, જે વેપાર-ધંધા પર આર્થિક રીતે નુકસાન કરતા સાબિત થયા છે, ખાસ કરીને હોટલ-રેસ્ટોરાં ઉદ્યોગોને રાત્રિ કર્ફ્યૂને કારણે વિપરીત અસર પડી છે. એમાં વિવિધ એસોસિયેશનના હોદ્દેદારોએ તો સરકાર સુધી રજૂઆત પણ કરી છે કે શહેરમાં પાંચ દિવસ છૂટ આપી શનિવાર-રવિવાર કર્ફયૂ રાખવો જોઈએ, એટલે કે શુક્રવારના રાત્રિના 11.00થી સોમવાર સવારના 6.00 સુધી કર્ફયૂ હોવો જોઈએ, જેથી કરીને પણ કોરોના હળવો બની શકે છે અને એની સાઇકલ તૂટી શકે.

Share on Google Plus

About Antra news

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો