કોરોના મહામારીને કારણે હાલ ગુજરાતની તમામ સ્કૂલો બંધ છે. જો કે છેલ્લા થોડા સમયથી સ્કૂલો ચાલુ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી હતી. પરંતુ આજે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાતમા 21 સપ્ટેમ્બર પછી ધોરણ 9થી 12 માટે શાળાઓ નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ભારત સરકારે અનલોક-4ની ગાઇડલાઇનમાં રાજ્યોને નિર્ણય કરવા કહ્યું હતું. જેની SOP હમણાં જાહેર થઇ છે. કેબિનેટ બેઠક બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે રાજ્યમાં મરજીયાતપણે પણ સ્કૂલો ચાલુ નહીં કરાય. કેન્દ્રની ગાઇડલાઇન મુજબ ધોરણ 9 થી 12માં મરજીયાત વાલી મંજૂરી સાથે બાળક શાળાએ જવાની જોગવાઈ છે. જેનો રાજ્ય સરકાર અમલ નહીં કરે. પરિસ્થિતિ યોગ્ય થયા બાદ જ નિર્ણય લેવાશે.
બે દિવસ પહેલા સ્કૂલો ક્યારથી શરૂ કરવી તેની ચર્ચા કરી હતી :-
જ્યારે બે દિવસ પહેલા રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ પર ચર્ચા માટે મળેલી બેઠકમાં સ્કૂલો ક્યારથી શરૂ કરવી તેની ચર્ચા કરી હતી. બેઠક બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, સ્કૂલો દિવાળી સુધી બંધ રાખવી કે નહીં તે હાલ નક્કી નથી. 21મીથી સ્કૂલમાં માત્ર માર્ગદર્શન માટે વિદ્યાર્થીઓને બોલાવવા અને બોલાવવા તો કઇ રીતે બોલાવવાનો તેનો નિર્ણય સરકાર ચાલુ સપ્તાહે કરશે. જેનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે.
અઠવાડીયા પહેલા કેન્દ્રએ ધો.9થી 12સુધી અભ્યાસને આંશિક ધોરણે શરૂ કરવા મંજૂરી આપી હતી :-
આ અંગે અઠવાડીયા પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ધોરણ 9થી ધોરણ 12સુધી અભ્યાસને આંશિક ધોરણે શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) જારી કરી હતી. જેને પગલે 21 સપ્ટેમ્બરથી વર્ગોમાં અભ્યાસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે મંત્રાલયે કહ્યું હતું કે- શાળા પોતાને ત્યાં અભ્યાસ શરૂ કરવા માટે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.
16 માર્ચથી રાજ્યમાં સ્કૂલો બંધ :-
આ પહેલાં રાજ્ય સરકારે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ એ સમયે એટલે કે 15 માર્ચના રોજ ગુજરાતની તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી બે અઠવાડિયાં માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે બોર્ડ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી. ત્યાર બાદ જેમ જેમ કોરોના બેકાબૂ બનતો ગયો તેમ તેમ સ્કૂલ-વેકેશન લંબાવવામાં આવ્યું હતું. આમ, લગભગ 6 મહિનાથી સ્કૂલો બંધ છે.
શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડો કરવા વિચારણા :-
હવે, જો દિવાળી બાદ સ્કૂલ શરૂ થાય તો એક સત્રમાં બે સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ કરવો અશકય બનશે. જેથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એ સ્થિતિમાં અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનું આયોજન પણ કરાઈ રહ્યું છે. અભ્યાસના કેટલા દિવસો વિદ્યાર્થીઓને મળે છે એના આધારે અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આ અંગે હાલમાં નિર્ણય લઈ શકાય તેમ નથી. સ્કૂલો શરૂ થયા બાદ અભ્યાસના બાકી રહેતા દિવસોના આધારે એ નક્કી કરાશે.
70 ટકા વાલી કોરોનાની રસી ન શોધાય ત્યાં સુધી સંતાનોને સ્કૂલે મોકલવા તૈયાર નથી :-
રાજ્યની અગ્રણી સ્કૂલોના સંચાલકોના દાવા પ્રમાણે 70 ટકાથી વધુ વાલી બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર નથી. કોરોનાની વેક્સિન ન આવે ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવાનો મત છે. સ્કૂલ સંચાલકો પણ ઉતાવળે સ્કૂલો શરૂ કરીને કોઈ રિસ્ક લેવા માંગતા નહોતા. 21 સપ્ટેમ્બરથી ધો.9થી 12ના બાળકોને સ્કૂલ બોલાવવાના મુદ્દે વાલીઓનો મત સ્પષ્ટ છે. મોટાભાગની સ્કૂલોએ વાલીઓને સોશિયલ મિડીયાના માધ્યમથી પૂછ્યું હતું કે તેઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા ઇચ્છે છે કે નહીં? જેના જવાબમાં મોટાભાગના વાલીઓએ ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવા જણાવ્યું છે. અગ્રણી ખાનગી સ્કૂલોના સંગઠનના પ્રેસિડેન્ટ અર્ચિત ભટ્ટે જણાવ્યું હતું કે, વાલીઓ કોરોનાની રસી આવ્યા બાદ જ સ્કૂલો શરૂ કરવાની તરફેણમાં છે. ઘણી સ્કૂલો ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવીને ગાઇડન્સ અને અઘરા મુદ્દા સમજાવશે. પરંતુ તે પણ વાલી મંજૂરી આપશે તો.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો