ઇમરાને કહ્યું- કાશ્મીર મુદ્દે દુનિયા પાકિસ્તાનની સાથે નહીં, આર્થિક મજબૂરીઓને કારણે કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ કોઈ બોલી રહ્યું નથી.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને કહ્યું કે દુનિયાને લાગે છે કે ભારતથી તેમને વધુ આર્થિક ફાયદો થઇ શકે છે. આજ કારણે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનનો સાથ નથી આપી રહ્યા - ફાઈલ ફોટો
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન મુજબ, ભારત વિશ્વ માટે એક વિશાળ અને સંભવિત બજાર છે, તેથી કોઈ તેની સામે બોલતું નથી
ઇમરાનખાને કહ્યું કે સાઉદી અરબે ભલે કાશ્મીર મુદ્દે અમને સાથ આપ્યો નથી, પરંતુ તેની સાથે અમારા સંબંધ હજી પણ સારા જ છે
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને માન્યું છે કે કાશ્મીર મુદ્દા પર દુનિયા પાકિસ્તાનની સાથે નથી. ઇમરાનખાનના જણાવ્યું મુજબ, ભારત વિશ્વ માટે એક વિશાળ અને સંભવિત બજાર છે. આર્થિક મજબૂરીઓને કારણે કાશ્મીર મુદ્દા પર ભારત વિરુદ્ધ કોઈ બોલી રહ્યું નથી. ઇમરાનખાને આ વાત અલ જઝીરા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવી હતી.
ઇમરાનખાને વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાનનું ભવિષ્ય ચીન સાથે જોડાયેલું છે. જ્યાં સુધી સૈન્ય અને સરકાર વચ્ચેના સંબંધની વાત છે, તો તે ખૂબ જ સારો છે. બંને સાથે મળીને કામ કરી રહ્યા છે. સેના સરકારની નીતિઓનું સમર્થન કરી રહી છે. અમે સૌ એક સાથે છીએ અને હળીમળીને કામ કરી રહ્યા છીએ.
પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચેના સંબંધો સારા છે- ઇમરાન
ગત દિવસોમાં સાઉદી અરબે કાશ્મીર મામલે પાકિસ્તાનને સાથ આપ્યો ન હતો. આ મામલે ઇમરાન સરકારે સાઉદી સામે નારાજગી દર્શાવી હતી. આ મામલે પાકિસ્તાન અને સાઉદી અરબના સંબંધોમાં થોડી કડવાશ ફેલાઈ હતી. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમુદ કુરૈશીએ તો સાઉદી અરબ સામે બદલો લેવાની ધમકી પણ આપી હતી.
આ મામલે વાત કરતા ઇમરાનખાને વધુમાં જણાવ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે ઓર્ગેનાઇઝએશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) અમને સાથ આપે. પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચેના સબંધ સારા છે. અમે અત્યારે પણ સારા મિત્ર છીએ.
ભારતે કાશ્મીર મામલે એકતરફી નિર્ણય લીધો- ઇમરાન
કાશ્મીર મુદ્દા પર ઇમરાનખાને કહ્યું હતું કે, કાશ્મીર એક વિવાદિત ક્ષેત્ર છે. ભારતે ગત વર્ષે 5 ઓગસ્ટના રોજ એકતરફી નિર્ણય લીધો હતો. જો આ મામલે પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધે છે તો તેની અસર દુનિયા પર પણ પડે છે. ભારત વિશ્વ માટે એક વિશાળ અને સંભવિત બજાર છે. તેમનું આર્થિક હિત ભારત સાથે જોડાયેલું છે. પરંતુ પાકિસ્તાન કાશ્મીર મુદ્દે સંઘર્ષ કરતુ રહેશે.
અમારું આર્થિક ભવિષ્ય સીધી રીતે ચીન સાથે જ જોડાયેલું છે- ઇમરાન
ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અંગે ઇમરાને વધુમાં કહ્યું કે - અમારું આર્થિક ભવિષ્ય સીધી રીતે ચીન સાથે જ જોડાયેલું છે. ચીન દુનિયામાં તેજીથી આગળ વધી રહ્યું છે. પાકિસ્તાનને ચીનથી ઘણો જ ફાયદો થયો છે. તેઓ જે રીતે તેમના લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા છે, પાકિસ્તાન પણ તેમ જ કરી શકે છે.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો