અમદાવાદ : પાર્ક કરેલી ગાડીમાંથી બાળકની લાશ મળી, કાર લોક થઈ જતા ફસાઈ ગયો હતો, CCTV બહાર આવ્યાં
શહેરના એરપોર્ટ રોડ પર ઇસ્કોન બંગલોઝ પાસે રોડ પર પાર્ક કરેલી ગાડીમાંથી 6 વર્ષના બાળકની લાશ મળી આવી છે. બાળક રમતા રમતા ગાડીમાં બેસી ગયો હતો અને દરવાજો લોક થઈ જતા ગાડીમાં જ ફસાઈ ગયો હતો. ગૂગળામણના કારણે તેનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે જેમાં એક મહિલાની પાછળ બાળક આવે છે અને ગાડીનો દરવાજો ખોલી અંદર બેસી જાય છે. ઘટનાને પગલે એરપોર્ટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને લાશને પીએમ માટે મોકલી આપી છે.
માતા બાળકને શોધવા પાછી ઘરે ગઈ પરંતુ બાળક ઘરે ન હતો :
ઈન્દિરાબ્રિજથી એરપોર્ટ રોડ પર AMC પાણીની ટાંકી પાસે આજે બપોરે 6 વર્ષના બાળકની લાશ કારમાંથી મળી આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતા એરપોર્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ સ્થાનિક લોકોએ કારમાં જોતા એક બાળક હતો. ઈન્દિરાબ્રિજ પાસે આવેલા સરણીયા વાસમાં રહેતો અજય સરાણીયા બપોરે 12ની આસપાસ તેની માતા સાથે જતો હતો. ત્યારે માતા આગળ જતી રહી હતી અને બાળક પાછળ આવતું હતું. બાળક ગાડી જોતા જ ગાડી પાસે ગયો હતો અને દરવાજો ખોલતાં ખુલી ગયો હતો અને અંદર બેસી ગયો હતો. દરમ્યાનમાં કાર લોક થઈ હતા. અંદર ગૂંગળાઇ ગયો હતો. માતા જતા જતા પાછળ બાળક જોયો ન હતો. જેથી માતા બાળકને શોધવા પાછી ઘરે ગઈ હતી. પરંતુ બાળક ઘરે ન હતો. બાળકને શોધતા શોધતા તેઓ આવ્યા હતા. દરમ્યાનમાં ગાડીમાં લાલ કલરવાળા કપડાં પહેરેલો અજય જોવા મળ્યો હતો.
ઘટના બાદ પોલીસ તેમજ લોકોના ટોળા એકઠા થયા હતા
એક અઠવાડિયાની આસપાસ કાર પાર્ક કરેલી હતી :
એસીપી એ.એમ.દેસાઈએ જણાવ્યું હતું કે, રમતા રમતા બાળક ગાડીમાં બેસી ગયો હતો અને કાર લોક થઈ ગઈ હતી. જે કારમાંથી બાળક મળ્યું છે તે કાર માલિકે ઘરની સામે જ કાર પાર્ક કરી હતી. એક અઠવાડિયાની આસપાસ કાર પાર્ક કરેલી હતી. FSLની મદદ લેવામાં આવી છે. લાશનું પીએમ કરાવવામાં આવશે. જો કાર માલિકની બેદરકારી હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો